કોરોના પ્રભાવિત છેલ્લા બે વર્ષ બાદ વિશ્વમાં ધીરે ધીરે વાતાવરણ સામાન્ય થતું જતું હોય તેવી લાગણી અનુભવાય છે પરંતુ સમયની સાથે સાથે સાવચેતીપૂર્વક લોકો બહાર નીકળી રહ્યા છે ભય ને ભુલાવવો એ મુશ્કેલ કામ છે પછી તે સામાન્ય લોકો હોય કે પછી વિદ્યાર્થીઓ હોય !

ત્રણ થી દસ વર્ષના બાળકોએ છેલ્લા બે વર્ષથી શાળા જોઈ નથી ત્યારે તેઓના આ પાયાના શિક્ષણ ઉપર કેટલી ખરાબ અસર થશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આજે ધોરણ-૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ જ્યારે એક ડર સાથે શાળા સુધી તો પહોંચી ગયા પણ અનેક નવી સમસ્યાઓના સામના સાથે શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જે વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ ની મદદથી શાળામાં આવે છે તો તેને ડર છે કોરોનાનો !
જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે તો તેને પણ ડર છે કોરોનાનો !
જે વિદ્યાર્થીઓ શાળામાં આવે છે તો તેને પણ ડર છે કોરોનાનો !

આવા ભયભીત વાતાવરણ સાથે તેઓ શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે ખરેખર તેમની હિંમતને દાદ આપવી પડે !! જ્યારે સમયની સાથે બોર્ડ તેઓની પરીક્ષાનું સમય પત્રક આપે છે ત્યારે કદાચ ઉપરોક્ત બાબત નું અવલોકન કરવું તેઓને માટે પણ મુશ્કેલ હોય છે અને ઉપરોક્ત બાબતને અવગણે તો ગુણવત્તાસભર પરીક્ષાઓ લેવી શક્ય ન બને !

આજ દિન સુધી ઓનલાઇન અભ્યાસક્રમનો અભ્યાસ કરી વિદ્યાર્થીઓએ જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરેલો છે પરંતુ સંપૂર્ણ એકાગ્રતા સાથે અભ્યાસ કરવો શક્ય બનેલો નથી જેમાં સમયની સાથે પેદા થયેલી નિરસતા તથા ટેકનિકલ મર્યાદાને કારણે કે ઇન્ટરનેટને કારણે અભ્યાસ દરમ્યાન ઉદભવતા અવરોધોને કારણે અભ્યાસમાં મોટી મુશ્કેલીઓ સર્જાયેલ છે !

શાળામાં ઓફલાઈન એજ્યુકેશન સાથે હજુ સેટ થવાનો પ્રયત્ન કરી રહેલા વિદ્યાર્થીઓ જ્યારે ઓનલાઈન  અભ્યાસ દરમિયાન પેદા થયેલ ક્ષતિઓનું નિવારણ કરે તે સાથે પ્રથમ પરીક્ષાનો વિશાળ અભ્યાસક્રમ સાથે બોર્ડ દ્વારા પેપરના ભારને કારણે તેઓ અલગ સ્થિતિમાં મૂકાઈ ગયા છે.

છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓની પેપર લખવાની પ્રેક્ટિસ છુટી ગયેલ છે અને લાંબા સમય બાદ તેઓ બે કે ત્રણ કલાક ના પેપર લખશે ત્યારે સ્વાભાવિક છે કે તેઓને તકલીફ પડશે. ઉપરાંત, અધકચરો અભ્યાસક્રમ મગજમાં ગોઠવવાનો પ્રયત્ન કરેલો હશે જેથી પેપર લખતી વખતે સાતત્યપૂર્ણ વિચારોનો પ્રવાહ વહેવડાવવો પણ તેઓ માટે શક્ય ન બને. શિક્ષણમાં સર્વશ્રેષ્ઠ રહેલા વિદ્યાર્થીઓનો સફળ ઇતિહાસ પણ તેઓને પ્રેશરમાં લાવશે. પોતાના જ અહમને સંતોષવાનો પ્રયત્ન પણ તેઓને મુશ્કેલીમાં મુકશે. સાથે ને સાથે વાલીઓની મહાકાય અપેક્ષાઓ વિદ્યાર્થીઓના દરેક પરિણામના અવલોકન ને અંતે મહાભારતનું સર્જન કરતા હોય છે.

આર્થિક સંકટમાં ઉલજાયેલો વાલી સમુદાય જ્યારે પોતાના સંતાનનું અપેક્ષિત પરિણામ નહીં જુએ એટલે હાર્ડલાઈન વાક્ય રચનાઓનું સર્જન કરી વિદ્યાર્થીઓને ભેટ ધરશે !

આ બધી જ સમસ્યાઓ વચ્ચે દરેક વિદ્યાર્થીઓએ અતિ શાંત ચિત્તે આવનારી સમસ્યાઓ નો સફળતાપૂર્વક સામનો કરવાનો છે !

કુનેહપૂર્વક દરેક પ્રકારના સમયનું અવલોકન કરી અને યોગ્ય પ્રતિભાવ સાથે આગામી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરો તેવી શુભેચ્છાઓ સાથે !

Dr. Pradip K. Gaglani

Founder and Trustee

(Infocity Junior Science College, Gh-0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

X